Gujarati
ગિરનારગિરિ પાવન કર્યો મહિમા અને ગરિમા વડે!
ભોરોલને ભાસિત કર્યો પ્રભુતા અને પ્રતિભા વડે!
મુજ હૃદયને સદભાવ ને સદગુણ વડે શણગારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી
રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી
બસ આ રીતે હે નાથ ! આંતરશત્રુ મુજ સંહારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી,
ત્યારેય અંતરમાં તમારા કામજવર આવ્યો નથી!
હે કામવિજયી ! નાથ મારો કામરોગ નિવારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે!
રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે!
હું રોજ સંભારું,મને ક્યારેક તો સંભારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા
દીક્ષા લઇ કેવળ વરી બહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા
મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ! ઉદ્ધારજો !
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
સ્વામી ! તમે સેવક્જનો તાર્યા બહુ તેથી કહું
આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ ! હું
વિનતી કરું છું,કરગરું છું,નાથ ! મુજને તારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું!
મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું!
આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો !
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
હે નાથ ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બાળ્યો મને
ને હાલ નયનોમાં ડુબાડી પ્રભુ ! તમે થાર્યો મને!
છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું !
હે નાથ !તમને છોડીને બીજે નથી મારે જવું!
મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો!
હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
Comments