top of page

અરિહંત વંદનાવલી.|Arihant vandanavali.|

Gujarati


જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા; ને જન્મતા પહેલા જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મહાયોગના સામ્રાજયમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લોકમાં, મહાસૂર્ય સમ પરકાશતા; જે જન્મકલ્યાણ વડે, સહુ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… છપ્પન દિગ્ કુમરી તણી, સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં, ધારી જગત હરખાવતા; મેરુશિખર સિંહાસને જે નાથ જગના શોભતા; એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા, ક્ષીરોદધિના ન્હવણ જલથી, દેવ જેને સિંચતા; વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મધમધ થતાં ગોશીર્ષ ચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દૈવી પુષ્પની, માળા ગળે આરોપતા; કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટે શોભતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… ને શ્રેષ્ટ વેણુ મોરલી, વીણા મૃદંગતણા ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષ ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા, જનેતાના મહા પ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વરસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના, અંગને સ્પર્શે નહિ; સ્વર્ધેનુ દુગ્ધસમાં રુધિર ને, માંસ જેના તન મહીં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મંદાર પારિજાત સૌરભ, શ્વાસ ને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં; પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી; વળી બાળક્રીડા દેવગણના, કુંવરો સંગે થતી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે બાલ્ય વયમાં પ્રૌઢ- જ્ઞાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાં વિસ્મય સમા, ગુણ રૂપ યૌવન યુક્ત જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મૈથુન-પરિષહથી રહિત જે, નંદતા નિજભાવમાં, જે ભોગકર્મ નિવારવા, વિવાહ-કંકણ ધારતા; ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મૂર્છા નથી પામ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય-નીતિથી, પ્રજા સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાયથી, જે લીન છે નિજભાવમાં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે, સહજ વર વિરાગવંત, ને દેવ લોકાંતિક ધણી, ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… આવો પધારો ઇષ્ટ વસ્તુ, પામવા નર-નારીઓ, એ ધોષણાથી અપેતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સૌનું, દાનના મહાકલ્પથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી; અશોક પુન્નગ તિલક ચંપા વૃક્ષ શોભિત વનમહીં, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… શ્રી વજ્રધર ઇન્દ્રે રચેલા, ભવ્ય આસન ઊપરે, બેસી અલંકારો, ત્યજે, દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિલોચ કરતા, કેશ વિભુ નિજકર વડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… લોકગ્રગત ભગવંત સર્વે, સિદ્ધને વંદન કરે, સાવધ સઘળા પાપ-યોગોના કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન-દર્શન ને મહા-ચરિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… નિર્મળ વિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા, વળી પંચસમિતિ ગુપ્તિત્રયની રયણમાળા ધારતા; દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… પુષ્કર કમલનાં પત્રની, ભાંતિ નહિ લેપાય જે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… ને અસ્ખલિત વાયુ સમુહની, જેમ જે નિર્બંધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઈન્દ્રિય દેહ છે; નિસ્સંગતા ય વિહંગ શી, જેના અમુલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… ખડ્ગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારીખા, ગુણવાન અપ્રમત્ત છે; વ્રતભાર વહેવા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… કુંજરસમા શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હ્રદયને છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી, વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જ વિશ્વને, મુદિતાતણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે શરદઋતુના જલ સમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે; જેની સહનશક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… બહુ પુણ્યનો જ્યાં ઉદય છે, એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે; સ્વીકારતા આહાર બેંતાલીસ, દોષ વિહીન જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… ઉપવાસ માસખમણ સમા, તપ આકરાં તપતા વિભુ, વીરાસનાદિ આસને, સ્થિરતા ધરે જગના પ્રભુ; બાવીશ પરિષહને સહંતા, ખૂબ જે અદભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… ને બાહ્ય અભ્યંતર બધા, પરિગ્રહ થકી જે મુક્ત છે, પ્રતિમા વહન વળી શુક્લધ્યાને, જે સદાય નિમગ્ન છે; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો, પાર કો’ નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી, કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પદ્મમાં, પદકમલને સથાપના કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જ્યાં છત્ર સુંદર ઉજ્જવળા, શોભી રહ્યા શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય વડે; દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ; અશોકથી ય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં; ચોમેર જાનુ પ્રમાણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણા સ્વામીતણી, સૌએ સુણો શુભદેશના; પ્રતિબોધ કરતા દેવ-માનવ ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્યસ્પર્શે, દૂર થતાં મિથ્યા વમળ; ને દેવ -દાનવ ભવ્ય માનવ, ઝંખતા જેનું શરણ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપ્પનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના; એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગતનાથ જે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે; ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે ધર્મ તીર્થંકર ચતુર્વિધ, સંધ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંધને, સુર અસુર સહુ વંદન કરે; ને સર્વજીવો-ભૂત-પ્રાણી સત્વશું કરુણા ધરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જેને નમે છે ઇન્દ્ર-વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે છે પ્રકાશક સહુ પદાર્થો, જડ તથા ચૈતન્યતા, વર શુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા; જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… લોકાગ્રભાગે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જે કરે; જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… હર્ષ ભરેલા દેવનિર્મિત , અંતિમે સમવસરણે, જે શોભતા અરિહંત, પરમાત્મા જગતઘર આંગણે; જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુ:ખના, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે કર્મનો સંયોગ, વળગેલો અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ, સર્વથા સદભાવથી; રમમાણં જે નિજરૂપમાં, ને સર્વજગતું હિત કરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે નાથ ઐદારિક વળી, તૈજસ તથા કાર્મણ તનુ, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું; જે રાગદ્વેષ-જળે ભર્યા, સંસાર સાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… શૈલેશી કરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન-પ્રયોગથી; ધનુષ્યથી છુટેલ બાણ તણી, પરે શિવગતિ લહી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… નિર્વિધ્ન સ્થિર ને અચલ અક્ષય, સિદ્ધગતિ એ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુન:ફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… આ સ્તોત્રને પ્રાકૃતગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના કો’ મુનીશ્વર બહુશ્રુતે; પદ-પદ મહીં જેના મહા-સામર્થ્યનો મહિના મળે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે નમસ્કાર-સ્વાધ્યાયમાં, પ્રેક્ષી ર્હદય ગદગદ બન્યું, “શ્રી ચંદ્ર” નાચ્યો ગ્રંથ લઈ, મહાભાગનું શરણું મલ્યું; કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જેના ગુણોના સિંધુના બે, બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમકો’ છે નહિ; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજનિશ્ચય સહિ, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું… જે નાથ છે ત્રણ ભવનના, કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સદભાવની સરણી વહે; આપે વચન “શ્રી ચંદ્ર” જગને, એજ નિશ્વય તારશે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું…



Recent Posts

See All

Shree Ratnakar Pachhisi

HINDI/ENGLISH https://youtu.be/e1F5q-wCbXA मंदिर छो, मुक्तितणा मांगल्य क्रीडा प्रभु, ने इंद्र नरने देवता, सेवा करे तारी विभः सर्वज्ञ छो...

Shree Bhaktmara Stotra

English/Hindi https://youtu.be/HTMuRoCMgwI Bhaktamara Pranata Maulimani Prabhana Mudyotakam Dalita-Papa-Tamovitanam Samyak Pranamya Jina...

Mara Vhala Prabhu

HINDI / ENGLISH https://youtu.be/lmYutn97hOI मारा व्हाला प्रभु , क्यारे मलशो मने, मारी आशा पूरी क्यारे करशो तमे...(2) मारी कबुलात छे के...

Komentáre


bottom of page