નેમિ વંદના | NemiNath Stuti
મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી બસ આ રીતે હે નાથ ! આંતરશત્રુ મુજ સંહારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી, ત્યારેય અંતરમાં તમારા કામજવર આવ્યો નથી! હે કામવિજયી ! નાથ મારો કામરોગ નિવારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે! રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે! હું રોજ સંભારું,મને ક્યારેક તો સંભારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા દીક્ષા લઇ કેવળ વરી બહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ! ઉદ્ધારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
સ્વામી ! તમે સેવક્જનો તાર્યા બહુ તેથી કહું આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ ! હું વિનતી કરું છું,કરગરું છું,નાથ ! મુજને તારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું! મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું! આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
હે નાથ ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બાળ્યો મને ને હાલ નયનોમાં ડુબાડી પ્રભુ ! તમે થાર્યો મને! છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું ! હે નાથ !તમને છોડીને બીજે નથી મારે જવું! મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
コメント